મોટો તાવડો અને મોટો જારો ૨ દિવસ પહેલા ઘસી ઘસીને સાફ કરી લીધા હોય. તેલના ડબ્બા, ચણાનો લોટ, મેંદાનો લોટ, ઘી, ગોળ, ખાંડ વગેરે ઓસરીના ખૂણામાં ગોઠવાઇ ગયું હોય. તીખા ગાંઠીયા અને સેવનો સંચો તો પાછો કોઈક પાસે જ હોય એટલે તેનું એડવાન્સ બુકિંગ થઇ ગયું હોય. જેમની પાસે હોય તે પાછા એક વેંત ઉંચા હાલતાં હોય. એ સંચો હાથમા આપે ત્યારે 2 વાર બતાવે કે જો આ સેવ ને ગાઠીયાની જારી આમા છે એટલે ખોવાઇના જાય એ જોજો.એમની ભલામણ પણ સાચી હોય, કેટલા બધા ઘર વચ્ચે એક સંચો હોય ને જો કોઇ ખોઇ નાખે તો બધા રખડી પડે.
બા, ભાભુ, કાકી અને મમ્મી તો સવાર પડતાની સાથે એક પછી એક લોટ બાંધવા લાગે. લોટ એ ય કિલોના હીસાબે. મોટો મોટા કુટુંબ હોય, દીકરી ને જમાઇને સાતમ આઠમ કરવા આવ્યા હોય એટલે quantity તો જોઈએ ને.
આટલી વેરાયટી અને જથ્થો બનાવતા હોય એટલે વચ્ચે કંઈક ઘટે પણ ખરી. કાઇ ઘટે એટલે છોકરાવને દોડાવે.. જા.. દુકાનેથી આ લેતો આવ અને એને કેજે ખાતે લખી લે. ૮-૧૦ વરસનો છોકરો હુકમ મળતાં જ થેલી ઉડાડતો જાય દીધે. જતા જતા પૂછતો ય જાય દુકાનેથી હું એક પીપર લવ? પુરીના અત્યાર સુધીના ઘાણવા સારા ઉતરયા હોય તો એના બા હા પડે અને જો કાઇક રસોઇમા ગડબડ થઇ હોય તો કે આ ઘરે આટલું રાંધીએ છીએ તોય તારે હજી પીપર ખાવી છે. જા કીધું એ લઇ આવ, ને જલ્દી આવજે ચોકમાં રમવા ના માંડતો.
આ ઘર ઘરની કહાની જેવું હતું. સાતમ આઠમની રાહ તો હોય જ, સાથે સાથે રાંધણ છઠ્ઠની રાહ તો દાંત વાળા ને દાંત વગરના બધા જોતા હોય. ત્યારે વાર તહેવાર જ આવી રસોઈ બનતી. રાંધણ છઠ્ઠના દીવસે એટલું બધુ રાંધે કે આગળ ૧૫- ૨૦ દિવસ ચાલે.
આ બધુ ફકત ઘરના માટે જ બનતુ એવુ પણ નહોતુ. જો કોઈ સગાવહાલા ને થોડું નબળું હોય તો તેને ત્યાં પણ ડબ્બો ભરી ને મોકલી. જેટલા માંગવા વાળા આવતા હોય તે બધા માટે પણ થોડું થોડું બને.
સાતમ અને આઠમ વરસના આ બે જ દિવસો હોય જયારે ગામડાની મહિલાઓ રસોઈ કરવાની ના હોય . બાકીના ૩૬૩ એ દિવસ રાંધવાનું. હા , રાંધણ છઠ્ઠના દિવસે ૧૫ દિવસનુ રાંધે એ જુદું...
તમારા બચપણમા રાંધણ છઠ્ઠનો દિવસ કેવો હોતો?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો