મંગળવાર, 31 જાન્યુઆરી, 2023

વિર માંગડાવાળો

વીર માંગડાવાળો 
( ભૂત રૂવે ભેંકાર)

મૃત્યુ પામીને જીવતા રહેલા ગુજરાતના ગરવા પ્રેમીઓ વીર માંગડાવાળો અને પદમાવતી ની અમર પ્રેમ કથા. અહીં તો મારે વાત કરવી છે એવી પ્રેમ કથાની જેમાં એક ભૂત સાથે પ્રેમિકાએ ફેરાફર્યા હોય. તો ચાલો જાણીએ આવા પ્રેમની કહાની. રાજપુત જાતના માંગડાવાળા અને વણીક જાતની પદમા. મામાના ઘરે મોટો થતો યુવાન માંગડાવાળો સોમનાથ પાટણની વાણિયાની દિકરી પદ્માવતીના પ્રેમમા પડે છે અન તેટલો જ પ્રેમ પદમા માંગડાવાળાને કરે છે. આટલા સુધી ઘણા માણસોના પ્રેમની સરખામણી થાય છે, પરંતુ કથાનો વળાંક બહુ જ રોમાંચક છે મિત્રો.
આશરે 500 વર્ષ પહેલા ગાયોના ધણને બચાવવા જતા વીર માંગડા વાળાએ શહીદી વહોરી હતી. રણમેદાને શહીદ થયેલો માંગડાવાળો પોતાની પ્રેમિકાને આપેલુ વચન ન નિભાવી શક્યો. માંગડાવાળો મોતને ભેટતા ફરી મળવાનુ તેનુ વચન અધૂરુ રહ્યુ. વીર માંગડા વાળાના મોત બાદ તેનો આત્મા ઉબંરી ગામની સીમમાં ભટકતો હોવાનો અને તેણે પદમણી સાથે પ્રેત યોનિમાં જ લગ્ન કરી લીધા હોવાની દંતકથા પ્રચલિત છે.
આને પ્રેમની પરાકાષ્ટાની હદ કહી શકાય. આ અજોડ કથાનુ વર્ણન ખૂબ સુંદર રીતે શ્રી ઝવેરચંદ મેઘાણીએ પોતાની સૌરાષ્ટ્રની રસધારમાં કરેલ છે. ‘ભુત રુવે ભેંકાર’ નામની લોક કથા આપ વાંચશો ત્યારે મને લાગે છે ત્યા સુધી આપ ભારત બહારની પ્રેમ કથાઓ કરતા આ કથાને થોડી આગવી દ્રષ્ટીથી જોઈ રહેશો. આવા કઈંક કિસ્સાઓ અને કથાઓ ભારતમા બન્યા છે જેનાથી આપણે સૌ આજ અજાણ છીએ.
પાઘડીયુ પચાસ, પણ આંટાળી એકેય નય, એ ઘોડો એ અસવાર, હું મીટે ન ભાળું માંગળા. પદ્દમા તારો પ્રિતમ, જો ને આજ હિરણ ની હદ માં રિયો ઝાઝેરા કે’ જો જુહાર, એમ મરતા બોલ્યો માંગડો.
ભૂત રૂવે ભેંકાર
નેસડામાં રાતે વાળુ કરીને સહુ માલધારી બેઠા હતા. આઘેથી ભૂતના ભડકા સળગતા લાગે તેવી રીતે ચલમો પર નો દેવતા ફૂંકે ફૂંકે ઝબૂકતો ને વળી પાછો જાંખો પડી જાતો. વરસાદ મોટે મોટે ફોરે ઠમ! ઠમ! ઠમ! પડતો હતો, અને નીચાં ઘરના નેવાં ટપકતાં હતાં. તેનાં ટીપાં નીચે ખબોચિયામાં પડી ને ટપક ! ટપ ! ટપક ! ટપ એવાં ભાત ભાત ના સૂર કાઢી કાંઈક વાતો કરતા હતા. આખી ગીર ઉપર અંધારૂં પથરાઈ ગયું હતું. વાત તો એમ ચાલતી હતી કે –“ભાઈ, હમણાં એક ચમત્કાર બની ગયો. ”શું ચમત્કાર ?” “કંટાળે ગામેતીને ઘેર એક ચારણ આવેલો. ચીંથરે હાલ ચારણ, વાર્તા – કવિતા તો કાંઈ આવડે નહિ, પણ ગામેતી જેવો આયર તે ક્યાંક થી આયવો છે. સહુને આપે એમ એને પણ શીખ આપી : ચારણ બંધાણી માણસ, પણ કંટાળે અફીણ રે’તુ નહોતુ અને ચારણને ઉતાર આવી ગયેલો એટલે દી આથમી ગયો હતો તોય રજા લઈ પડખેના ગામમાં ઝટ પહોંચી જવા માટે રવાના થયો.
ઝોલાપરી નદીને કાઠે ચડ્યો અને માંગડાને ડુંગર આવ્યો ત્યાં ભાન ભૂલીને રસ્તો ચૂકી ગયો. અંધારૂં ઠીકઠીક જામી ગયુ અને નાડ્યું તુટતી હતી, એટલે ચારણ તો ડુંગર ઉપર ઢગલો થઈને પડી ગયો : થોડી વાર થઈ ત્યાં અંધારામાં પણ ઉજાશ મારે તેવાં ધોળાં બાસ્તા જેવાં લૂગડાં પહેરેલો એક માનવી ત્યાં આવ્યો અને ચારણના હાથમાં છેટેથી અફીણનો એક ગોટો નાખીને કહ્યુ : ‘લ્યો ગઢવા!’
ગઢવો : ‘આ ક્યાંથી, બાપ ?’
આદમી કહે : ‘કંટાળેથી ગામેતીએ મોકલાવ્યું છે.’
ચારણે તરત જ અફીણ ખાધું : જિંદગીમાં કદી નહોતું ચાખ્યું તેવું અફીણ: શરીરમાં કાંટો આવ્યો એટલે ચારણ એજ ટાણે પાછો વળીને કંટાણે આવ્યો: ગામેતીને પગે પડીને બોલ્યો : ‘બાય ક્રોડ દિવાળી તારો વૈભવ ટકજો ! મને આજ નવું જીવતર દીધું.ગામેતી અચંબો પામીને કહે : ‘કેમ ભાઈ ?’
‘બાપ! મારી વાંસે ડુંગરામાં અફીણ પોગતું કર્યું એ તો તું વિના બીજો કોણ કરે ?’
‘ના ભાઈ! અમને તો ખબર પણ નથી. ગઢમાં તો ચણોઠી જેટલું પણ અફીણ નથી ને ! કોણ આવ્યું’તું ?’
‘અરે, બાપ! ધોળે લૂગડે જુવાન આદમી આવીને મને હાથોહાથ આપી ગયો, ને તમારું નામ લીધું! ‘
સાંભળીને સહુ એકબીજાની સામે સમસ્યાથી નીરખી રહ્યા. ગામેતી એટલું જ બોલ્યા : ‘નક્કી માંગડો વાળો !’
“આવો ચમત્કાર બન્યો, ભાઈ !” ઓહોહોહો! હજીયે શું માંગડ વાળાનો છૂટકારો નહિ થયો હોય ? માલધારી એકબીજાને પૂછવા લાગ્યા.
બીજાએ વળી જવાબ દીધો : “એની વાસના ભારી જોરાવર હતી ને, ભાઈ ! વાસના મટયા વિના નવું ખોળિયું ક્યાંથી લેવાય ? ગજબની વાસના હતી માંગડા વાળાની.”
અજાણ્યાએ સવાલ કર્યો : “એ શી વાત હતી, ભાઈ ? માંગડા વાળો કોણ ? ક્યાંનો ?”
“માંગડા વાળો આપણી ધાતરવડીને કાંઠે આવેલ ગામ ધાંતરવડના રજપૂત જેઠાવાળાનો દીકરો થાય.” વાળાઓ હજી વટલીને કાંઠી નહોતા થયા ઇ વખતમાં થઈ ગયો ને ભરજુવાનીમાં ભાલે વીંધાણો.”
એમ થાતા તો વાતચીતે વાર્તાનુ સ્વરૂપ ધારણ કર્યું. રવાજ નામના વાજિંત્ર પર ઝણેણાટી બોલાવતાં એ વાત ડાહ્યા પરોણાએ દુહા આરંભ્યા :
(અહી, દુહા નથી આપવામાં આવ્યાં સીધો જ તેનો અનુવાદ છે)
(શોભીતો ઘોડો રાંગમાં હોય, શિર પર વાંકડિયા વાળ ઝૂલતા હોય, શરિર ઉપર હથિયાર ચક્ચકાટ કરે; આહા ! સાચા વીરને એક જ વાર મરવાની – મોટી ફોજમાં ઝંપલાવીને ભલી ભાંતે મરવાની – ઝંખના હોય છે.)
અસવાર પાટણની બજાર ચીરીને સોંસરવો નીકળ્યો; કેમકે જતાં જતાં નજરું એક કરી લેવી હતી. છેલ્લીવારના રામરામ કરવા હતા.
ઝરૂખામાં બેઠેલી નગરશેઠની દીકરીએ પોતાના પ્રીતમ માંગડાને દીઠો : ઘાટીલો ઘોડો, એવો જ લાયક અસવાર, આસમાનને માપતો ઊંચો ભાલો; એવા મનના માનેલા ક્ષત્રી કંથને વાણિયાની દીકરીએ દીઠો અને ચારેય નજરુંના તાર સંધાયા.
(હે સ્વામી માંગડા, આપણી જાતતો જુદી છે પણ પૂર્વભવની પ્રીતિએ આ જન્મે નાત જાતનાં બંધન ભેદીને આપણને જોડી દીધા છે.)
માટે –
હે સગા, મેડી ઉપર ચોપાટ માંડી છે. પીતળિયા પાસા પડ્યા છે. સંકલ્પ કરી કરીને હું તારી સાથે એકલી એકલી બાજી રમી રહી છું. માટે તુ એક વાર ઉપર આવી, દાવ નાંખી સોગઠી મારતો જા, એટલે આપણું લગ્ન સફળ થાય.)
“ના, ના, પહ્માવતી ! રજપૂતની એ રીત ન હોય. હું તો ગા’ની વા’રે ચડ્યો છું. રસ્તે રમત રમવા મુજ્થી રોકાવાય નહી. પણ તું વાટ જોજે . હમણાં પાછો વળુ છું. પછી રમી લેશું”
ઘોડો દોડાવી મૂક્યો. ગયો ! ગયો ! ત્રીસ -ત્રીસ ગાઉનો પંથ કાપી નાંખ્યો. હીરણ નદીને કાંઠે મોટા વડલા હેઠળ ઘૂમલીનું ગૌધણ ઊભુ છે ને લૂંટારો ચાડવો બાયલ ભાણ જેઠવાની ફોજ સાથે ધીંગાણું કરી રહ્યો છે. ત્યાં તો માંગડો દેખાણો.
જીવતો પાછો જા, વઢિયાની વેળા નહી, રોશે તારી મા, તું પરદેશી પ્રોણલો.
પણ ત્યાં તો –
ચાડવા કાઠીના હાકલા પડકારા સાંભળીને માંગડો ન થડક્યો. એ હૂકળતા શત્રુઓની સાથે માંગડો તરવારથી ભેટવા દોડ્યો. પહ્માવતી ઝરૂખે બેસીને વાટ જોતી હતી. એણે જોયુ કે ભાણ જેઠવાની ફોજ ઝાંખાં મોં લઈને ચાલી આવે છે. પણ એકલવાયો ગયેલો અસવાર માંગડો કાં ન દેખાય?
આ પચાસ – પચાસ પાઘડીઓ વાળા દેખાય છે. પણ રૂડી આંટીઓ પાડીને બાંધેલ પાઘડીવાળો મારો પ્રિતમ માંગંડો નથી. એ ઘોડો ને એ અસવાર નથી દેખાતા. હોય તો સહુથી નોખો તરી રહે ને !
કોણ જાણે, કદાચ પાછળ રહ્યો હશે – મારી પાસે આવવા માટે જાણી જોઈને પાછળ રહી ગયો હશે. કોલ દઈને ગયા પછી પરબારો તે કેમ ચાલ્યો જાય ?
ત્યાં તો –
ઘોડો આવે ઘૂમતો, માથે સોનરી સાજ, એકલડો અસવાર, મીટે ન ભાળું માંગડો. સોનેરી સાજ થકી શોભતો એકલો ઘોડો ઘૂમતો ઘૂમતો ચાલ્યો આવે છે. એની પીઠ ઉપર એ એકલડો અસવાર ન દીઠો. જરૂર મારો માંગડો રણમાં ઠામ રિયો ..! અસવારોએ અટારી સામે આવીને સંદેશો કહ્યો : હે સતી પહ્માવતી, તારો પ્રીતમ હીરણ નદીને કાંઠે રહ્યો, અને એણે મરતી વેળાએ કહ્યું કે, પહ્માને મારા ઝાઝા કરીને જુહાર દેજો!
માંગડાના મોસાળમાંથી સાત સોડ્યો લાવીને એના શબને દેન દેવાય છે, અને પહ્માવતી નદીને કાંઠે વિલાપ કરતી ઊભી છે તેને સહુ છાની રાખે છે.
મારા અંગ ઉપર રક્તના છાંટા પડ્યા હશે ! મને એવાં અપશુકન મળ્યાં હશે! એવી હું અભાગણી! એટલે મારે રોઈ રોઈને અવતાર ગુજારવો રહ્યો.
ભૂતવડલાની ઘટામાં એક દિવસ સાંજે એક વાણિયાની જાન છૂટી છે. અઘોર જંગલમાં બળદની ડોકે ટોકરીઓ વાગે છે ને વાણિયા ભાતાંના ડબરા ઉઘાડી ઉઘાડીને ટીમણ કરે છે. ભેળો વાંકડી મૂંછોવાળો રજપૂત ગામધણી અરસીવાળો વોળાવિયો બનીને આવ્યો છે.
વડલાની ડાળ નીચે અરસીવાળો બેઠો છે, તે વખતે ટપાક ! ટપાક ! ટપાક ! વડલા ઉપરથી કંઇક ટીપાં પડ્યાં !
અરે ! આ શું ! આકાશમાં ક્યાય વાદળી ન મળે ને મે’ ક્યાંથી ? ના, ના, આતો ટાઢાનહિ, બરડો ખદખદી જાય એવા ઊનાં પાણીના છાંટા : અરે, નારે ના.! આ પાણી નો’ય, આ તો કોઈનું ધગધગતું લોહી !
વોળાવિયો ક્ષત્રિય અરસીવાળો ઊંચે નજર કરે, ત્યાં તો ડાળી પર બેસીને કોઈ જુવાન રૂદન કરે છે. એનુ મોં દેખીને અરસીને અનુકંપા વછૂટી :
“કોણ છો?”
“ભૂત છુ !”
સૌ રોતો સંસાર, (એને) પાંપણીએ પાણી પડે, (પણ) ભૂત રૂવે ભેંકાર, (એને) લોચનિયે લોહી ઝરે.
હે રજપૂત, સંસારના માનવીઓ રૂવે છે, છતાં એ રૂવે ત્યારે એની પાંપણે પાણી પડે, પરંતુ આતો ભૂતનાં રૂદન; ભયંકર રૂદન; હૈયાનાં લોહી નીતરી નીતરી એના લોચનમાંથી ઝરે. ભૂતના અંતરની વેદના કેવી વસમી! ઓહો, કેવી દારૂણ!
“ભૂતડો છો? કોનો ભૂત?”
“ન ઓળખ્યો, કાકા?”
હુ બેટો, તુ બાપ, અરસી, કાં ઓળખ નહીં , પેલા ભવનાં પાપ, આ ભવમાં આવી નડ્યાં.
“હે કાકા અરસી, તારા સગા ભાઈ જેઠાવાળાનો હુ દીકરો એટલે તારો પણ હુ દીકરો : ને તુ મારો બાપ : છતાંય હજુય ન ઓળખ્યો ? આ ભૂતની દશાને પામ્યો એ મારા પૂર્વજન્મનાં પાપનું ફળ છે. મેં પૂર્વ ભવે પ્રીતિ બાંધેલી હતી .”
“અરે તું, માંગડો ? બેટા, તું અહીં ક્યાંથી ? તને એવાં શાં દુઃખ મરણ પછી પણ રહી ગયાં ?”
ભૂતડો ભેંકાર વિલાપ કરતો બોલે છે કે –
“હે કાકા, ભીતરની વેદના કોને ઉઘાડી કરી બતાવું. ? પહ્મા સાથે પરણ્યા વિના જ મારે આ વડલાની ઘટામા વિંધાવું પડ્યું . અને , કાકા , હવે તો –
આહીં ભૂતાવળનાં વૃંદમાં અમે બધાં આ ગીરને ઓળંગી બહાર નીકળવા તલખીએ છીએ, પણ અમારા અંગો વાસનાની આગથી સળગી ઉઠ્યાં છે, તે તારી મદદ વગર નહી ઓલવાય, હે કાકા ! ”
“તે હવે હું શું કરું, બેટા ?”
“મને પાટણ તેડતો જા. મારી પહ્માવતી સાથે પરણવા દે. મારી પરણેતર આજ બીજાને જાય છે, એ વિચાર મને સળગાવી મેલે છે, કાકા!”
“અરે ગાંડા! તું પ્રેત છો. તને કેમ કરી લઈ જાઉં ?”
“બસ, કાકા?”
“હે સગા, આજ તારા સ્નેહની સરવાણી કેમ તૂટી ગઈ ? એવા તે કેવા ઝેરી પવન વાયા કે તારી પ્રીતિનાં નીર આટલાં બધાં ઉંડાં ઉતરી ગયાં ?”
“ઓ અરસી, આ જાન જતી જોઉં છું ને અંતર ચિરાય છે, મારા પ્રાણ મેં પહ્માવતીની પાસે મૂક્યા છે.”
“હે સગા, સુખ તો બધું ત્યાં પહ્માવતીની પાસે રહ્યું અને આ જંગલમાં ભૂતોની સાથે રહેવું પડ્યુ છે. હવે હું સળગું છું. મને એક વાર પરણી લેવા દે.”
“શી રીતે ?”
“તમારી જાનનો વરરાજો કદરૂપો છે, ઓ કાકા ! એને બદલે મને વરરાજો બનીને માયરે જાવા દે. ચાર ફેરા ફરવા દે.”
“પછી ?”
“પછી પાછો વળીને આહીં વડલાને થાનક ઊતરી પડીશ. નદીની સામે કાંઠે જો હું ચડું તો મને ભૂતનાથની આણ છે.”
કોઈ ગુફાના પોલાણમાંથી પવન સૂસવતો હોય તેવા ભૂતનાં વિલાપ સાંભળીને અરસી વાળાના શ્વાસ ઊંચા થઈ ગયા. વાણિયાને ભૂતની વાત કરીશ તો તો બી ને આહીં જ ફાટી પડશે ! શું કરું ? વિમાસણ થઈ પડી.
“કાકા !” ભૂતનો અવાજ આવ્યો : “વાણિયાને ભડકાવવા નથી. હુ આંહી મારી મોઢમેડિયું ઊભી કરું છું. આજ મારી ડેલીયે હું વાણિયાની જાનને ઉતારો આપીશ.”
ઉજ્જડ વનમાં હીરણ્યને કાંઠે મોટો દરબારગઢ ઊભો થઈ ગયો.
જાનમાં ઘોડાને માણું બાજરાનાં જોગાણ, વેલ્યના બળદને કપાસિયાનાં બહોળા ખાણ એ જાનૈયાને ભોજન દીધાં.શેઠે જાણ્યું કે કોઈક ગરાસિયાએ આંહીં અંતરીયાળ ગઢ બાંધ્યો હશે!
અરસીએ વાત ઉચ્ચારી : “શેઠીયા, આ કદરૂપો વરરાજો લઇને જાશું તો વેવાઈ ના પાડીને ઊભો રહેશે. માટે આ ગઢવાળા રૂડા રજપૂતને વર બનાવી તેડી જાયેં. વળતાં આંહી ઉતારી મેલશું.”
વાણિયા કબૂલ થયા.
(પીઠીભરી કન્યા પહ્માવતી પાટણની મેડીયે બેસીને વિલાપ કરે છે કે હે ધાંતરવડના ધણી માંગડા, આજ પરપુરુષ સાથે મારાં લગ્ન મંડાયેલ છે . હું કોઈને મોંએ મારું અંતર ઉધાડી શકતી નથી. મારે એક ભવમાં બે ભવ થાય છે. ઊંચે આભ સળગ્યો છે, નીચે ધરતી ધખધખે છે. માટે, હે સ્વામી, તું વહેલો વહેલો મારી જવાળાઓ ઓલવવા આવજે.)
જાનની વેલ્યો ગાજી, વર પરણવા આવ્યો.
હથેવાળો મેળવતાં પહ્માવતીએ સામા પુરુષને – પરપુરુષને નહીં, પણ ખુદ માંગડાને – દીઠો.
વાતનો ભેદ સમજ્યા વગર કલેજે ટાઢક વળી ગઈ.આ મરેલું માનવી આંહી ક્યાંથી ? શું પરલોકમાંથી મને લઈ જાવા આવ્યો ? કે શું કોઈ દેવતાએ એને માથે અમીનો કૂંપો છાંટી સજીવન કર્યો ?પરણી ઉતર્યા અને જાન પાછી વળી. હીરણ્યને કાંઠે ભૂતવડલો આવ્યો અને સંધ્યાનાં ઘેરાતા અંધારાંમાં, એ ભેંકાર જંગલની અંદર, વરરાજે ભડકારૂપે છલાંગ મારી વડલાની ઘટામાં અલોપ થયો ને આંહીં વેલડામાં કન્યાએ પોતાની બાજુએ જોયુ તો જેની સાથે ચાર ફેરા ફરવા ચોરીએ ચડી હતી તેને બદલે બીજો કદરૂપો આદમી દીઠો. છલાંગ મારીને પહ્માવતી પણ વેલ્યમાંથી નીચે ઉતરી પડી.
“અરે, હા ! હા ! વહુ દીકરા શું થયું ?”
“રામ રામ છે, વાણિયા ! જ્યાં મારો પરણ્યો ત્યાં જ હું!”
“અરે દીકરી, એ તો બનાવટી હતો!”
“ગમે તે હોય, બીજાનાં મીંઢોળ ન બાંધું”
સમજાવી, પણ ન સમજી. ઘોર જંગલમાં એ અબળાને એકલી મૂકીને જાન ચાલી નીકળી.
વેલડાનાં પૈડાંનાં અવાજ સીમાડા સુધી સંભળાઇને બંધ પડી ગયા, અને મોટી મોટી ખાવા ધાતી ભેખડો વચ્ચે વહી જતી હીરણ નદીનાં નીર પણ ટાઢે પહોરે વિલાપનાં સૂર બાંધી પૂકારવા લાગ્યાં. ઝાડવે ઝાડવું પ્રેત જેવુ બનીને બિવરાવવા લાગ્યું, અને ‘માંગડા વાળા ! માંગડા વાળા ! માંગડા વાળા !’ એવા ત્રણ સાદ કરીને જ્યારે પહ્મા પોતાના પીયુને બોલાવવા લાગી, ત્યારે ભેખડોમાંથી પડછંદા ઉઠીને ભયંકર બની જતી એ એક એક ચિસનાં જવાબમાં ઝડડડ ! ઝડડડ ! એવા ભૂતભડકા વડલાની ડાળે ડાળે ઉઠવા લાગ્યા.
(વડલા, તારે પાંદડે ભૂતની જવાળાઓ સળગી ઉઠી છે. હું દિવસરાત એ જ્વાળાઓમાં સળગી રહી છું. હું આ આગને ક્યાં ઓલવું ?)
એ રીતે અદૃશ્ય ભૂતનાં ભડકામાં રાતને દિવસ આ એકલવાઇ સુંદરી સળગે છે. પોતાના નાથને
ગોતવા એ વડલા ઉપર ચડીને ડાળે ડાળે ને પાંદડે પાંદડે જુએ છે.
એ ગોતાગોતમાં સળગવા સિવાય બીજું કાંઇએ નથી રહ્યું. એ મરેલા પિયુની અણછીપી વાસના જ જવાળારૂપે જંગલને સળગાવી રહી છે.
દિવસ બધો આવી આગ સળગે છે, ને રાતે એ ઉજ્જડ વગડામાં માયાવી દરબારગઢ ઊભો થાય છે. એ માંગડો ભૂત માનવીની કાયા કરીને પહ્માવતી પાસે વસે છે. પરોઢિયે પાછી એ બધી માયા સંકેલાઇ જાય છે. પહ્મા એકલી સળગતી રહે છે.
બે જુવાન ઘોડેસવારો ગીરમાં ચાલ્યા જાય છે. દિવસ આથમી ગયો છે ને અંધારા ઘેરાય છે. એ વિકરાળ ઝાડીમાં કોઈ પંખી કે માનવી દેખાતાં નથી. જુવાનો ભૂખથી ને મુસાફરીથી થાકીને લોથપોથ થઈ ગયા છે.
ઘાટા જંગલમાં રસ્તાની એક બાજુએથી માંડણાંમાં બેઠેલી એક ભેંસ ઊભી થઈ અને ચાલવા લાગી.
જુવાનો જોઈ રહ્યા. એક કહે કે “આજ તો આવડી આજ ભેંસના દૂધે વિયાળુ કરીએ.”
અંધારે અંધારે ભેંસનું પૂંછડું પકડીને અસવારો ચાલવા લાગ્યા. થોડી વારે ઉજ્જડ વગડામાં રૂપાળો દરબારગઢ દેખાણો ને ભેંસ એ ગઢની ડેલીમાં ચાલી ગઈ.
અસવારો પણ ડેલીએ જઈ, પલાણ છાંડી, ઊતરીને ચોપાટમાં બેઠા. ગઢ મોટો,પણ પ્રમાણમાં કાંઈ બોલચાલ સંભળાતી નથી. કોઈ દરવાન પણ હાજર નથી.
ઘડીક થયું ત્યાં સફેદ વસ્ત્રોવાળો ખૂબસૂરત યુવાન આવીને ઊભો રહ્યો. મૂંગો મૂંગો બાથ ભરીને એ મહેમાનો સાથે ભેટ્યો. જઇને એ ઘોડારમાં બેય ઘોડા બાંધી આવ્યો.
વાળુની વેળા થઈ. જુવાને ઓરડામાં ગાદલીઓ પથરાવીને બેય પારોણાને જમવા બેસાર્યા. રૂપ જેનાં સમાતાં નથી, એવી એક સ્ત્રીએ આવીને રોટલા, શાક ને દૂધ પીરસ્યાં. રાતે ઓસરીમાં મહેમાનો માટે ઢોલિયા ઢળાણા. કોઈ કોઈની સાથે કાંઈ વાતચીત કર્યા વિના સૂવા ગયા. મુસાફરો તો અજાયબીમાં પડ્યા છે; આંહી અંતરિયાળ આ દરબારગઢ કોણે બંધાવ્યો? આવડા મોટા ગઢમાં સ્ત્રી-પુરુષ બે જ શી રીતે રહેતાં હશે? બોલતાં ચાલતાં કેમ નથી? આવાં રૂપાળાં બે મોઢાં ઉપર દુઃખની પીળાશ શા માટે?
ત્યાં તો અંદરના ઓરડામાં સૂતેલો એ પુરુષ કણકણતો હોય એવું સંભળાણું. કોઈ ભારી કારમી વેદના થાતી હોય એવી રીતે ઘરધણી કણકી રહ્યો છે. આખી રાત કણકયા જ કરે છે; જંપ લેતો જ નથી.
મુસાફરો ચોંકીને સાંભળ્યા જ રહ્યા. બેમાંથી એકેય ને ઊંધ આવી જ નહીં. વિચારમાં પડી ગયા. ભળકડાટાણે કણકારા બંધ પડ્યા. પછી મુસાફરોની આંખો મળી ગઈ.
સવારે સારી પેઠે તડકા ચડી ગયા ત્યારે મુસાફરોની આંખ ઊઘડી. નજરે કરે, તો ન મળે દરબારગઢ, કે ન મળે ઢોલિયા ! બેય જણા ધરતી ઉપર પડેલા, ને બેયનાં ઘોડાં બોરડીના જાળાં સાથે બાંધેલાં, માથે વડલો છે, ને પડખે ઊંચી ભેખડો વચ્ચે ધોળે દિવસેય બિવરાવે તેવા અવાજ કરતી નદી ચાલી જાય છે.
તાજુબ થઇને બેય બહારવટિયા ચાલી તો નિકળ્યા; બેઉનાં કલેજાં થડકી પણ ગયા, પણ સાંજ પડી ત્યાં બેમાંથી એક ભાઈ બોલ્યો :“ભાઈ, એ ગમે તે હોય, પણ આપણે એમનો રોટલો ખાધો, ને હવે શું એમનું દુઃખ મટાડયા વિના ભાગી જશું ! ”
“સાચું, ન જવાય. આજ પાછા પહોંચી પત્તો મેળવીએ.”
રાત પડતાં પાછા એ જ ઠેકાણે જઈ ને ઊભા રહ્યા: એ જ દરબારગઢ, એ જ ચોપાટ, એ જ જુવાન, એ જ રાંધીને પીરસનાર રંભા, અને એ જ પથારી.
વાળુ કરી ઊભા થયા. એટલે બેય મુસાફરો એ જુવાનની આડા ફરીને ઊભા રહ્યા અને પૂછ્યું : “બોલો, કોણ છો તમે ? ને આખી રાત કણકયા કરો છો કેમ ?”
“તમને એ જાણીને શો ફાયદો છે ?”
“અમે રજપૂતો છીએ. જેનો રોટલો જમ્યા એનું દુઃખ ટાળીએ નહીં તો જીવતર શા ખપનું છે ?”
“જુવાનો !” ભાલા જેવી તીણી નજર નોંધીને ઘરધણી બોલ્યો : “જુવાનો.! ડરશો નહીં ને ?”
“ડર્યા હોત તો પાછા શીદ આવત ?”
છાતી ચીરી નાખે એવો ભયંકર સ્વર કાઢીને જુવાન અંદરથી આંતરડાં કપાતાં હોય એવી વેદનાભરી વાણીમાં બોલ્યો : “જુવાનો ! હું માંગડો વાળો !”
“માંગડો વાળો!!!”
મુસાફરોનાં મોંમાં ચીસ દબાઇ રહી.હા, હું ધાંતરવડીનો ધણી માંગડો: કમોતે મૂઓ. ભૂત સરજયો છું. પહ્માને લઇને આંહી એનાં લોહી ચૂસ્તો વસ્યો છું. તે દી ચાડવા બાયલની બરછી ખાઈ ને હું પડ્યો. એ બરછીની કરચ મારી છાતીના હાડકામાં વીંધાઇને ભાંગી ગઈ. હજી હાડકું ને એ બરછીની કરચ છાતીમાં દિવસ ને રાત ખટકે છે. તેથી કણકું છું, ભાઈ ! ”
“એનો ઇલાજ શો ?”
“તમારાથી બને તો હાડકું ગોતી ને બરછીની કરચ કાઢો, ને મારા હાડકાં દામા કુંડમાં પહોંચતા કરો. નીકર આ વાસના-દેહ ટકશે ત્યાં સુધી હું એના ખટકા ખમ્યા જ કરીશ.”
એટલું બોલીને ‘આહ ! આહ !’ કરતો યુવાન ઓરડામાં ગયો. મુસાફરો સૂતા, સવારે એ-ની એ દશા દેખી.
વડના થડમાં ખોદકામ કરીને ભૂતે કહેલું હાડકું શોધી કાઢ્યું. બરછીનો ટુકડો જુદો પાડીને એ હાડકાં લઈ બેય બહારવટિયા દામે કુંડ ચાલ્યા ગયા.
જેસાજી – વેજાજી
ભાદરવા મહિનાની મેઘલી રાતે એક નગરના દરબાર ગઢને ઝરૂખે પાદશાહ અને હુરમ જાગતાં બેઠાં છે. નદીમાં પૂર ઘૂઘવે છે. આસમાનમાં ગાજવીજ અને કડાકા થાય છે. વીજળીએ એવી તો ઘૂમાઘૂમ માંડી છે કે જાણે આકાશની જગ્યા એને ઓછી પડે છે. હુરમ બોલી : “ઓહોહોહો ! કેવી કાળી રાત છે !”
પાદશાહે કહ્યું : “આવી રાતે કોણ ઘરની બહાર ભમતું હશે ?”
“બીજું તો કોણ ભમતું હોય? બિચારા મારા ભાઈઓ, જેને માથે તમ સરખા રાજાનું વેર તોળાઇ રહ્યું છે !”
“કોણ? જેસો-વેજો?”
“હા, ખાવિંદા ! તમારા બાર’વટિયા, પણ મારા તો જીભના માનેલા સાચા ભાઈઓ !”
“બેગમ ! અટાણે મને એનું શૂરાતન સમજાય છે. આવી ભયંકર રાતે શું એ વગડા વીંઝતા હશે ? બખોલોમાં સૂતા હશે?”
“બીજું શું કરે, ખાવિંદ ?તમે એને સૂવાનું બીજું ઠેકાણું ક્યાં રહેવા દીધું છે?”
“સુણો ! અટાણે એ બેય ભાઈ હાજર થાય, તો માફી આપું, ગામડાં રહેવા પાછાં સોંપીને બાર’વટું પાર પાડું એવું મન થઈ જાય છે.”
“અરેરે! અટાણે ક્યાંથી હોય?”
“સાદ તો કરો !”
“ખાવિંદ, મશ્કરી ?”
“ના , ના , મારા સમ , સાદ તો કરો !”
ઝરૂખાની બારીએ જઈને હુરમે અંધારામાં સાદ દીધો : “જેસાજીભાઈ ! વેજાજીભાઈ ! ”
નીચેથી જવાબ આવ્યો: “રાણી મા, હાજર છીએ.”
“ઓહોહો ! ભાઈ, આ ટાણે તમે આંહી ક્યાંથી ?”
“પાદશાહની રખેવાળી કરવા, બોન.”
“તમારા શત્રુની રખેવાળી ?”
“હા , બોન!”
“કેમ ?”
“અમારે માથે આળ ચડે તે બીકે.”
“શેનું આળ ?”
“કોઈ બીજો દુશ્મન આવીને પાદશાહનું માથું વાઢે, ને નામ અમારા લેવાય ! અમે રહ્યા બહારવટિયા ! અમારી મથરાવટી જ મેલી, બોન ! અમારા માથે જ કાળી ટીલી આવે અમારું ખોટું નામ લેવાય એ કેમ સંખાય ?”
“વાહ રે મારા વીરાઓ ! રોજ ચોકી કરોછો ?”
“ના, બોન. આવી કોઈ ભયંકર રાત હોય તે ટાણે જ.”
પાદશાહે કાનોકાન આ વાતચીત સાંભળી . અટારી પરથી કૂદી પડીને એ રજપૂત વીરને ભેટી લેવાનું દિલ થયું. છાતી ફાટવા લાગી. પાદશાહ બોલ્યો : “જેસાજી ! વેજાજી ! સવારે કચેરીએ આવજો. કસુંબા પીવા છે.”
“બાપુ ! દગો તો નહીં થાયને ?”
“રાજાનો બોલ છે. ઇતબાર આવતો હોય તો હાજર થજો.”
એ હોંકારા દેનાર કોણ હતું ? માંગડાવાળાનું પ્રેત હતું. બહારવટિયા ભાઈઓ પોતાનું કામ કરવા દામે કુંડ ગયા છે, અને આહીં પાદશાહની દેવડી હેઠળ બાર’વટું પાર પાડવાનો મોકો મળ્યો છે, એ જાણીને બાર ‘વટિયાનો ઓશિંગણ ભૂત જેસા-વેજાને નામે હાજર થયો હતો. પાદશાહનો કોલ મળતાં જ એણે બાર’વટિયાઓને જાણ દીધી.
કચેરીમાં બાર’વટાં પાર પડ્યાં.સામસામાં કસુંબા પીવાણા.
એ માંગડો વાળો ગીરમાં ઘણે ઠેકાણે રહ્યો હોવાનું કહેવાય છે, અને ડુંગર ઉપર એણે ચારણને અફીણનો ગોટો દીધો તે પણ એના વસવાટ ઉપરથી જ ‘માંગડાનો ડુંગર’ કહેવાય છે.
એટલું કહીને વાર્તા કહેનારે ચલમ હાથમાં લીધી .સગડીના ઓલવાયી જતાં અંગારામાં નવાં કરગઠિયા નાંખીને તાપણું સતેજ કર્યું.

શુક્રવાર, 27 જાન્યુઆરી, 2023

આપણી સંસ્કૃતિ આપણી પરંપરા 9601459113: આધ્યાત્મિક

આપણી સંસ્કૃતિ આપણી પરંપરા 9601459113: આધ્યાત્મિક: શ્રી મકરંદસાહેબ ને વાંચુ ત્યારે એમ થાય કે આપણાં ધર્મ ને સાચી રીતે સમજવામાં આપણે નિષ્ફળ રહ્યા છીએ. આપણે સંપૂર્ણ કર્મકાંડી ધર્મ માં માનતા થયા ...

સફળતા ની વ્યાખ્યા??

મારી સફળતાની વ્યાખ્યા હું જણાવીશ પણ એ પહેલાં સફળતાનાં મુદ્દાને એક ઊંડા અને ઉંચા અભિગમથી જોઈએ..

સફળતા ઘણી પ્રકારની હોય છે અને બધી જ સફળતા જેતે વ્યક્તિની વ્યાખ્યા પ્રમાણે જ અસ્તિત્વમાં હોય છે, અન્ય વ્યક્તિ માટે એનું કોઈ મહત્વ કે અસ્તિત્વ છે જ નહીં…આ એક કોમન રીતે વ્યાખ્યાયિત થઈ જ ન શકે.

મોટા ભાગના લોકો પૈસા અથવા ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિ અને ભોગ કરી શકવાની ક્ષમતા પ્રાપ્ત કરવી એને સફળતા સમજે છે…અને મોટે ભાગે સમાજ એને જ સફળ માને છે….

સફળતા 1.

🏖️🏡🚐🚐🚗🚗🚁 ખાતામાં 50 કરોડ પડ્યા હોય, શહેરમાં 20-25 ફ્લેટ ભાડે હોય, ગામડામાં 50 કરોડની જમીન હોય. પોતાને રહેવા માટે સરસ મોટો બંગલો હોય, ઘરમાં 4- 5 કાર હોય 10–15 નોકર હોય.. આને સફળતા ગણશો ?

સફળતા 2.

🏝️🏞️🍇🥭🍎🥝🥦🥬🕷️🦗🐞💐🌸🌹🐊🐦🐘🦒🐿️🐇🐾એક માણસ કે જે, એક મોટા જંગલમાં સરકારી નોકરી કરે છે વર્ગ4 માં સામન્ય બીટ ગાર્ડ અને નાનકડો પગાર….પણ આ નોકરી તેણે જાતે પસંદ કરી છે… જી હા..બીજી સારી નોકરી છોડીને આ નોકરી લીધી છે. એક બાઈક એક સામાન્ય ઘર એ પણ ભાડે. આખો દિવસ ભાઈ જંગલમાં, પશુ પક્ષી જુએ, સરસ ફોટા પાડે, શુદ્ધ ઓક્સિજનમાં રહેવાનું. કુદરતી ઝરણાં વૃક્ષો વચ્ચે નોકરી કરવાની… અને કોઈપણ જાતનો સ્ટ્રેસ ભૂલેચૂકે પણ એની આજુબાજુ ફરકે નહિ…એવી મજાની નોકરી કે જે શોખ પણ હોય… શુ આને સફળતાં ગણશો ?

સફળતા 3.

✈️🛬🛩️🛫🚁 નાનપણથી જ ઉડવાના સપના જોતું બાળક સખત મહેનત કરી એરફોર્સમાં ફાઇટર પાયલોટ બને. શોર્ટ સર્વિસ પુરી કરે અને કોમર્શિયલ પાયલોટ તરીકે દેશ વિદેશ ઘૂમે અને સરસ મજાની જિંદગી સારા પગાર સાથે જીવે. શુ આ વ્યક્તિ સફળ છે..?

સફળતા 4.

અલાસ્કા જેવા વિસ્તારમાં, એકલા અટૂલા નાનકડા ગામમાં, સાંજનો સમય હોય, ધીમી બરફવર્ષા ચાલુ હોય, એક નાનકડા પબમાં 5–7 ગ્રાહકો , જુના લાકડાના ટેબલ પર બેઠા, ગરમ કપડાં પહેરેલા હોય અને બિયરની મજા માણતા હોય… આ વખતે એ પબનો વૃદ્ધ માલીક કે જેની પાસે એક વર્ષો જૂની બાઈક બહાર પડી છે, પોતે લાંબી દાઢી રાખી હોય અને હાથમાં ગિટાર પર કઈક સરસ મજાનું લોકલ ગીત ગાતો હોય.. એકદમ ધીમા અવાજમાં અને બહાર શાંત બરફનું વાતાવરણ… આ પબનો મલિક સફળ છે..?


તમારો જવાબ કોઈ પણ હોય શકે પણ સફળતાને ચોક્કસ રીતે કોઈ એક ફિક્સ રીતે વ્યાખ્યામાં બાંધવી મુશ્કેલ છે.

મારી સફળતાની વ્યાખ્યા, જે વ્યક્તિ પોતાના માટે પરિવાર માટે ભોજન અને છતની વ્યવસ્થા કરી શકતો હોય અને રોગ વિનાના શરીરમાં 8 કલાક કોઈ ટેંશન વીના સુઈ શકતો હોય એ સફળ જ છે. આનાથી ઉપર તો જેટલું જાવ એટલું ઓછું જ છે.. ઇલોન મસ્ક પણ હજુ પૈસા કમાવામાં વ્યસ્ત જ છે..

ખુશી દિલથી આવે, સુખ મનમાં આવે, અને સફળતા મગજમાં આવે… અને આ બધું આપણી અંદર જ છે. બહાર કાઈ જ નથી. બહાર માત્ર લોકોની માનસિકતા છે , માન્યતા છે, સામાજિક બંધનો, રિવાજો કુરિવાજો વગેરે છે. આ બધા બાહ્ય ફ્રેમમાં બંધાવું જરાય જરૂરી નથી.

આજે ફિલોસોફીનો ઓવરલોડ થઈ રહ્યો છે પણ જરૂરી એવા બે દોહા કબીર સાહેબના મૂકીને આ જવાબને વિરામ આપીએ…

  1. તેરા સાઈ તુજમે હે, જ્યો પહુપન મેં બાંસ,

કસ્તુરી કા હિરણ જ્યો ફિર ફિર ઢુંઢત ઘાસ.

2. જૈસે તિલ મેં તેલ હૈ, જ્યો ચકમક મેં આગ..

તેરા સાઈ તુજમે હે જાગ શકે તો જાગ…

ગુરુવાર, 19 જાન્યુઆરી, 2023

નિખાલસ સબંધ ને ખરાબ ચિતરતા પહેલા ખૂબ વિચારજો

---કોઈ પણ પવિત્ર , નિર્દોષ કે નિખાલસ સબંધ ને ખરાબ ચિતરતા પહેલા ખૂબ વિચારજો...

---કોઈ પણ વ્યક્તિ....સારી છે કે ખરાબ ...તેવી ગ્રંથી બાંધતા પહેલા સો વખત વિચારજો..અને એ વ્યક્તિ નું વ્યક્તિત્વ અંગે નો નિર્ણય કોઈ બીજી જ વ્યક્તિ ની વાત પર થી લેવાનો હોય તો .

............એ વ્યક્તિ વિષે અભિપ્રાય આપનાર માણસ ...કેવો છે ??...તે પોતે શિષ્ટ છે જે અશિષ્ટ...?તેનું ખુદનું જીવન કેવું છે ??તે પોતે સમાજ માં માનનીય છે ??....પેલી વ્યક્તિ જેના માટે તે પોતાનો મત આપે છે તેની સાથે તે કોઈ દ્વેષ કે ઈર્ષ્યા ભાવ નથી ધરાવતો ને ?? તેની સાથે કોઈ વૈરવૃત્તિ નથીને ???

ઘણી વાર એવું બને કે....

કોઈ પોતાના જ મિત્ર કે સગા ની ચડતી થી કે તેના કોઈ બીજા જોડેના આત્મીય સંબંધ થી તે અદેખાઈ થકી પોતાનો અભિપ્રાય બીજાને કહી..પોતે ખુશ થતો હોય...

આવી મનોવૃત્તિ વાળા થી ચેતી ...તેના અભિપ્રાય પર થી ...કોઈ વિશે કશું વિચારશો નહીં..

....એવું કરવાથી..... કોઈ નિર્દોષ નો આત્મા દુભવી ...દુઃખી કરી...આપણે ઈશ્વરના પણ ગુનેગાર બનીએ છીએ....

શુ કામ ??

શા માટે કોઈને દુભવી આપણે ખુશી મેળવીએ ??

કદાચ તે વ્યક્તિ તેની સારપ ને લીધે કાઈ બોલશે નહીં .

પણ......

આપણે પ્રભુની નજર માં ઉતરી જઈસુ...

આ કર્મ નો જવાબ ક્યારેક તો આપવો પડસે જ.....

..........

શનિવાર, 14 જાન્યુઆરી, 2023

આધ્યાત્મિક

શ્રી મકરંદસાહેબ ને વાંચુ ત્યારે એમ થાય કે આપણાં ધર્મ ને સાચી રીતે સમજવામાં આપણે નિષ્ફળ રહ્યા છીએ. આપણે સંપૂર્ણ કર્મકાંડી ધર્મ માં માનતા થયા છીએ.
આજે શિવરાત્રી એ મંદિરમાં જવાનું, મોટે મોટે થી ૐ નમઃ શિવાય બોલવાનું, ભાંગ ભગવાન ને ધરાવવાની એટલા માટે કે પ્રસાદ કહીને પી શકાય. એમા પણ એક બંગાળી લેખક અમીશે તો શિવને ટ્રાઈબ કહી ને આખી સ્ટોરી સીરિઝ લખીને લોકોને મીસગાઈડ કરવામાં મોટો ફાળો આપ્યો છે.
શ્રી મકરંદસાહેબ ની ' ચિરંતના' માં શિવાલય નો અર્થ સમજાવ્યો છે જે આજે મુકવાનું મન થયું છે. 
શિવાલય એ અષ્ટાંગ યોગનું પ્રતિક છે.
શિવાલયના દર્શન સાથે યોગની ભૂમિકા ને સમજીએ.
શિવાલયના તોરણ પાસેથી ભૈરવની મૂર્તિ દેખાય.
યોગના આઠ અંગ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધી. આ આઠ અંગોનું સ્પષ્ટ સ્મરણ થતું રહે માટે શિવાલયમાં એને યોગ્ય જગ્યાએ મૂર્ત સ્વરૂપ આપવામાં આવ્યું છે.
પહેલાં 'યમ'. ભૈરવની મૂર્તિ : ભૈરવ યમનું પ્રતિક.
યમ પાંચ છે. : અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ.
યમ એ બીજાઓ સાથેના સંબંધમાં પ્રગટતી વર્તનની સચ્ચાઈ અને સૌમ્યતા છે. એ બહિરંગ સાધના છે. ભૈરવના ખડ્ગ થી તમારા અહંકાર નો વધ ન થાય અને એના ખપ્પરમાં મમતાની સામગ્રી ન હોમાઈ જાય ત્યા સુધી શિવાલય માં સાચો પ્રવેશ ન ગણાય.
પછી આવે નિયમ : નિયમ એ પોતે પોતાને માટે કરવાની સાધના. હવે શિવાલયમાં પ્રવેશી શકીએ. બહારના જગતમાંથી નીકળી આંતરિક સાધના માં આગળ વધીએ.
હવે નંદી અને કાચબો : કાચબો નિયમો નું પ્રતિક છે.
નિયમ પણ પાંચ છે : શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. કાચબો જેમ અંગોને સંકોરે છે તેમ આ નિયમો દ્વારા આત્મનિમગ્ન થતાં જવાનું છે.
યમ નિયમના - બહાર અને અંદર ના - વેહવાર ની ભૂમિકા ચોખ્ખી કરીને માણસે સાધના માટે બેસી જવું જોઈએ.
હવે નંદી : નંદી આસનનું પ્રતિક છે. શિવનું વાહન નંદી આસન બનીને પરમ તત્વને સ્થાપવા ની પ્રેરણા આપે છે.
શિવાલય ના ગર્ભગૃહ માં પ્રવેશતા પહેલાં એક તરફ હનુમાનજી અને બીજી બાજુ ગણપતિ નાં દર્શન કરવા જોઈએ.
આસન પછી આવે પ્રાણાયામ અને પ્રત્યાહાર. હનુમાનજી ની મૂર્તિ પ્રાણના જય ને સિદ્ધ કરવાનું સુચવે છે. મરુતજય, યોગમાં ચિત્ત ને વશ કરવાની, શુધ્ધ કરવાની નિર્મલ વિવેકજ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રથમ ભૂમિકા છે. પ્રાણાયામ દ્વારા ઇન્દ્રિયો ના દોષો બળી જાય છે.
ગણપતિ ની મૂર્તિ પ્રત્યાહાર સમજાવે છે. ઇન્દ્રિયો બહિર્મુખી હોય છે. જે કોઈને કોઈ રાગ દ્વેષ મા ખેંચાય છે. પણ ચિત્ત નિર્મલ હોય એકાગ્ર હોય તો ઇન્દ્રિયો ને જ વિવેકશક્તિ થી પોતાને અનુસરતી બનાવે છે. આ છે પ્રત્યાહાર. ગણપતિ ના સ્વરૂપમાં થી સૂક્ષ્મ બુધ્ધિ ને સબળતા ની ઝાંખી થાય છે.
હવે ગર્ભગૃહ : જૂના શિવાલયો માં પાંચ પગથિયા રાખવામાં આવતાં. પંચતત્વના આ જગતની બધી વિવિધ વિરોધી ને વિનાશશીલ લાગતી પરંપરા વટાવી અવિભાજ્ય અને અવિનાશી આત્મલોક માં પ્રવેશવાનો સંકેત છે. આ હતા યોગના પાંચ બહિરંગ.
હવે ત્રણ અંગ અંતરંગ : ધારણા, ધ્યાન, સમાધિ.
ધારણા એટલે ચિત્ત ને ધ્યાનના આધારભૂત સ્થાનમાં એકત્રિત કરવું એ. શિવલિંગ ને વીંટળાઈને માથે ફેણ માંડીને બેઠેલો નાગ, ધારણા નું પ્રતિક છે.
ગર્ભગૃહ માં રહેલી પાર્વતી ની પ્રતિમા ધ્યાન દર્શાવે છે. અને જ્યાં ધ્યાન, ધ્યાતા અને ધ્યેય એક બને તે સમાધિઅવસ્થાનું દ્યોતક શિવલિંગ છે.
શિવાલયમાં આ રીતે અષ્ટાંગ યોગને મૂર્ત સ્વરૂપ આપવામાં આવ્યું છે.
મિત્રો આ છે શિવાલય.
તા. ક.
કોપી પેસ્ટ કરવાની છુટ છે પણ કોઈ શ્રી મકરંદસાહેબ નું નામ એડીટ ના કરશો એવી મારી હંબલ રીક્વેસ્ટ છે.

ઉત્તરાયણ

પૌરાણિક દ્રષ્ટાંત કથા – 
🏹⛲⚓🏹⛲⚓🏹

                  પિતામહ ભીષ્મની પૂર્વ જન્મની કથા
                  🏹⛲⚓🏹⛲⚓🏹⛲⚓🏹

મહાભારતની રણભૂમિ પર બાણશય્યા ઉપર ભીષ્મ સૂતા હતાં. જરા પણ હલન ચલન એમનાં શરીરને વીંધેલા બાણ અસહ્ય વેદના આપતાં હતાં.
તેઓ દેહત્યાગ કરવા માટે ઉત્તરાયણની પ્રતીક્ષા કરતાં હતા. ભગવાન કૃષ્ણે મહારાજ યુધિષ્ઠિરને બોધ આપતાં  કહ્યું કે ” કૌરવ વંશનો ભીષ્મ રૂપી સૂર્ય બહુ જલ્દી અસ્ત થવાનો છે , આથી તમે તુરંત તેમની પાસથી ધર્મ , અર્થ , કામ અને મોક્ષ – આ ચારે પુરષાર્થનું જ્ઞાન મેળવી લો ”

કેશવ સહિત સહુ પાંડવ, બ્રહ્મર્ષિ , દેવર્ષિ , મહર્ષિ અને રાજર્ષિ ,ભિષ્મ પિતામહના દર્શન કરવા આવ્યા. કૃષ્ણ ભગવાનને જોઇને ભીષ્મ પિતામહ ગદગદ થઇ ગયા અને ભાવુક થઈને એમની સ્તુતિ કરી. ત્યારે ભગવાને ભીષ્મ પિતામહને મહારાજ યુધિષ્ઠિરને યોગ્ય ધર્મ ઉપદેશ આપવા કહ્યું.

પિતામહે કહ્યું ” મારા શરીરમાં બહુ વેદના છે , આખું શરીર શીથીલ થઇ ગયું છે , બુદ્ધિ કામ નથી કરતી , આ બાણો વિષ અને આગની સમાન અસહ્ય પીડા આપે છે. બળ ઓછું થઇ રહ્યું છે , પ્રાણ નીકળવા વ્યાકુળ છે , કમજોરીથી તાળવું સુકાઈ ગયું છે . ના દિશાઓનું જ્ઞાન છે , ના આકાશનું , ના પૃથ્વીનું . આથી આવી દશામાં હું કયાંથી ઉપદેશ આપું , આથી મને ક્ષમા કરો , મારાથી કંઈ બોલી નહિ શકાય”

કૃષ્ણ ભગવાન પિતામહ ભીષ્મ પર કૃપા કરવા બોલ્યાં ” હું તમારી અવસ્થા સમજુ છું આથી હું આપને વરદાન આપું છું કે આ ક્ષણથી આપને ના મૂર્ચ્છા આવશે , ના ગ્લાની , ના દાહ થશે , ના રોગ  . ભૂખ અને તરસનું કષ્ટ પણ નાશ પામશે . તમારા અત:કરણમાં સહુ જ્ઞાન ફરી પ્રગટ થશે. તમારી બુદ્ધિ કોઈ પણ વિષયમાં કુંઠિત નહિ થાય.  મન સદા સત્વ ગુણોમાં પ્રવર્તિત થશે અને રજો ગુણ અને તમો ગુણ તમને અસર નહિ કરે. તમે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરીને ભૂત , ભવિષ્ય અને વર્તમાન આ દરેક કાળમાં દરેક પ્રકારનાં પ્રાણીઓ હાથમાં પડેલા પુષ્પની જેમ જોઈ શકશો”

આવું વરદાન આપી ભગવાને કહ્યું કે અમે ફરી કાલે આવશું એમ કહી પાછા વળ્યાં.  આ કથા પ્રસંગ બીજા દિવસે જયારે પ્રભુ પાડવો સહિત મળવા આવ્યા ત્યારનો છે :

ભગવાન કૃષ્ણ પૂછે છે ” પિતામહ , આપની રાત સુખથી તો વીતી ? આપની બુદ્ધિમાં વિવેક જાગ્રત તો છે ? આપને સહુ પ્રકારનું જ્ઞાન ભાસિત તો થાય છે ને ? હૃદયમાં દુ:ખ તો નથી ને ? મનમાં વ્યથા તો નથી ને ?”

પિતામહ કહે છે ” મારા શરીરની જલન , મનનો મોહ , થાક , વિકળતા , શોક અને રોગ આ બધું આપની કૃપાથી દુર થઇ ગયા છે , અને હવે હું કલ્યાણકારી ઉપદેશ આપવા સમર્થ છું પણ મહારાજ યુધિષ્ઠિર એમનાં  પ્રશ્ન પૂછે તે પહેલા મારે કંઈક જાણવું છે ”

પિતામહ , કેશવને પૂછે છે : હે જગન્નાથ , આપ તો સર્વ વસ્તુ , કાળનાં જ્ઞાતા છો , અહીં સર્વ એ જાણવા માંગે છે કે કયા પાપનાં કારણસર મને આવો કઠોર દંડ મળ્યો છે ?

ભગવાન કહે છે ,” પિતામહ , હવે તમારી પાસે તો દિવ્ય દ્રષ્ટિ છે જેનાથી તમે તમારા પૂર્વ જન્મ જોઈ શકો છો તો તમે પોતે જ જાણી લો ”

પિતામહ કહે છે ” દેવકી નંદન , હું અહીં એકલો વીરશૈયા પર બીજું શું કરી શકું છું ? આપે આપેલા વરદાનથી મેં બધું જોઈ લીધું – મારા પૂર્વનાં ૧૦૦ જન્મો માં મેં એક પણ એવું કર્મ નથી કર્યું કે જેને કારણે મારું શરીર વીંધાઈને પડ્યું રહે અને આવતી દરેક પળ અનેક ઘણી પીડા લઈને આવે છે. વસ્તુત: મેં આ દરેક જન્મોમાં અનેક પુણ્ય ભેગાં કર્યાં છે.”

પ્રભુ કહે છે ,” પિતામહ , આપ હજુ એક જન્મ પાછળ જાવ અને તમને જરૂરથી ઉત્તર મળશે”

ભીષ્મ પિતામહ ફરી ધ્યાન લગાવી પોતાનો ૧૦૧મો જન્મનો કર્મનો હિસાબ જોવા બેઠાં.  એ ભવમાં  તેઓ એક નગરનાં રાજા હતાં.   એક સમયે તેઓ મૃગયા કરવા પોતાનાં ચુનંદા  સેનાનીઓ  લઈને નીકળ્યાં. તે સમયે રસ્તામાં એક સર્પ માર્ગમાં પડ્યો હતો.

એક સાથીએ પૂછ્યું ” આ સર્પનું શું કરવું જે માર્ગમાં પડ્યો છે ?  અગર આપણાં ઘોડાઓ એના પર પસાર થશે તો એ તુરંત મૃત્યુ પામશે ”

રાજાએ કહ્યું ” એને લાકડીથી લપેટીને બાજુની ઝાડી ઉપર ફેંકી દો” , એ સાથીએ હુકમ માનીને એમ કર્યું પણ  દુર્ભાગ્ય વશ એ ઝાડીઓ કાંટાળી હતી આથી એ સર્પનાં એમાં અટવાઈ ગયો , જેમ જેમ એ નીકળવાનો પ્રયત્ન કરવા લાગ્યો તેમ એ કાંટાઓ એના શરીરમાં અંદર ખુંપી જવા લાગ્યા અને એની પીડા વધવા લાગી , શરીરમાંથી લોહી નીકળવા લાગ્યું અને બહુ ધીમે તે મૃત્યુનાં મુખમાં ધપવા લાગ્યો અને ૫૮ દિવસ બાદ મૃત્યુ પામ્યો.

પિતામહ ભીષ્મે કહ્યું ” ત્રિલોકી નાથ , આપ તો જાણો છો કે મેં જાણી જોઇને આવો આદેશ નથી આપ્યો , તદુપરાંત મારો આશય તો એ સર્પને બચાવાનો હતો તો એની સજા મારે શું કરવા ભોગવવી ?

કૃષ્ણ બોલ્યા ” તાત શ્રી , આપણે હાથે કરીને કરીએ કે અજાણતાંથી કરીએ પરંતુ એ ક્રિયા તો થાય છે , એ સર્પના પ્રાણ તો ગયા અને એણે એ પીડા સહન કરવી પડી. વિધીનું વિધાન છે કે જે કર્મ આપણે  કરીએ છીએ એનું ફળ આપણે ભોગવવું પડે છે. તમારાં ૧૦૦ જન્મોનાં પુણ્ય એટલાં પ્રબળ હતા કે તમારું એ પાપ એ જન્મારોમાં ક્યારે ઉદિત ના થયું , પરંતુ આ ભવમાં તમારે એનું ફળ  ભોગવવું  પડ્યું.”

 

મહાભારત મુજબ , પિતામહ ભીષ્મ  યુદ્ધનાં ૫૮ દિવસ બાદ પ્રાણનો ત્યાગ કર્યો.

સોમવાર, 9 જાન્યુઆરી, 2023

ગામડું

જીવનનો આવો પણ રાગ હતો
પાંચ છ દાયકા પહેલા નુ ગામડું 
➖➖➖➖➖🕉️➖➖➖➖➖
પાં ચ છ દાયકા પૂર્વે ગામમાં રેડિયો ભાગ્યે જ જોવા મળતો. સાયકલ પણ નહિ, દવાખાના માટે બીજે ગામ ચાલીને જવું પડતું. ઘંટી અને કરિયાણાની દુકાન પણ ના હોય, હટાણું કરવાય બીજે ગામ ચાલતા જતા. શહેરમાં ઘોડાગાડીનો જમાનો હતો- મુંબઇ ઉત્તર ગુજરાતીઓને પરદેશ જેવું લાગતું. મુંબઇમાં મજૂરી કરવા ગયેલા લોકો માળામાં રહે. એ માળામાં ઘણાં કુટુમ્બો સાથે રહેતા. કુટુમ્બમેળો જામે. બૈરાં ચાલીમાં ભેગાં થઇ ગામગપાટા મારે. શાક સમારે. ગાજ-બટન કરે કે ફાટેલાં કપડાં હાથથી સાંધે.

ગામમાંય મજૂરી જ કરવાની. વરસાદી ખેતી. બધો આધાર આકાશ ઉપર. શ્રમનો મહિમા. હાડકાં હલાવવાં પડે. મજૂરી કરવી પડે. નહિ તો રોટલો આઘો રહે. તાવ આવે તો તુલસીના ઉકાળે જતો રહેતો. હાથેપગે શરીરે નાનું મોટું વાગે તો હળદર ચોપડી દેવાતી. ગુવારનું પાન લસોટી ચોપડી દેવાતું. સ્ત્રીઓની સુવાવડો ઘરે જ થતી, સુવાવડ કરાવનારી દાયણને દૈયણ કહેવામાં આવતી.

મોટા ભાગે કેસ સફળ થઇ જતા. શાક પાંદડું દાણાથી ખરીદવાનું રહેતું. સાટે - હાટે મળે એટલે દાણાની તુલનામાં શાક બરાબર વેચાય... વજન શેર - બશેરમાં હતું. અડધી ના વેચાય તો અડધા દાણા કાઢી લે પછી શાક તોલાય.. ખાંડ-મોરસ કહેવાતી એનું ચલણ ઓછું. ગૉળ જ ઘરના કેન્દ્રમાં. ગૉળનું દડબું ચોકલેટ, બિસ્કીટ જે ગણો તે.. ગોળની કાંકરીથી રડતું છોકરું છાનું રહી જતું.

ગૉળની કાંકરીથી સારા સમાચાર સાંભળી મોં મીઠુ કરાવાતું. છોકરો પાસ થાય તો ગોળ વ્હેંચતા.. ધરમી માણસના મૃત્યુ પછી ગામ જમતું. નિશાળ જમાડાતી.. બ્રાહ્મણો જમતા.. નાત જમતી.. કોક જીવતચરાય કરતું... છોકરાને નિશાળે મૂકવા જવાનોય મહિમા. ગૉળધાણા વ્હેંચાય. નિશાળમાંય ગૉળ વ્હેંચાય.. તાર આવે તો ફાળ પડી જતી. ટપાલનુંય કુતૂહલ.

ત્યારે સરેરાશ માણસોની કમાણી ટૂંકી.. રૂપિયો ગાલ્લાના પૈડા જેવો લાગે. લોકો સાદુ જીવે.. સાદુ ખાય. જરૂરિયાતોય ઓછી. બે જોડ કપડાં તો ઘણાં ગણાય. કમાણી નહિવત હોય એટલે ખરચો કરવાની બધાની હિંમત નહિ. દેવું થવાનો ડર લાગે. મોજશોખ મર્યાદિત પણ દિલ મોટાં. રોજ સવાર પડે ને આંગણે અભ્યાગતો આવે. માગનારા હોય જ.

બ્રાહ્મણ આવે. પૂજારી આવે. ડોસાં ડગરાંય આવે.. છોકરાંને કૂખમાં લઇ બાઇઓય આવે. સાધુ બ્રાહ્મણ આવે સંન્યાસી પણ હોય. તિથિ વાર બોલે.. આશિષ આપે.. હાથની રેખાઓ જુએ.. સાચી પડે કે ના પડે બોલે રાખે.. ભાગ્યશાળીને બદલે ભાયગશાળી છે એમ જ કહે.. એકાદશી, પૂનમે ખાસ આવે.. પુણ્ય કમાવાની ટેલ નાખે.. ખભે ઝોળી હોય એ ઝોળીમાં આટો નાખે. બાજરી-ઘઉનો આટો જુદો રાખે. ક્યારેક ભૂલથી ભેગોય થઇ જાય. દાણા આપીએ તો અલગ રાખે. દર બુધવારે કરવા.. 'દીવો આપો' એમ કહે એટલે ઘી આપવાનું રહેતું. ક્યારેક ઘુઘરિયાળો બાવો ટન ટન ટન ટન ઘુઘરો વગાડતો આવે. પગ ઊંચા નીચા કર્યા કરે.. અવાજ ચાલુ ને ચાલુ રહે એમ એના પગ નર્તન કર્યા જ કરે- શરીર ઉપર રાખ ચોળી હોય એક પંચિયું હોય.

બસ ઘુઘરો કમરે બાંધી બે પગ વચ્ચે સરકે - ખખડે - રણકે. તેલિયો બાવો તેલ લઇ જાય. ટોકરિયો બાવો હાથમાં કમંડળ રાખતો. એ કમંડળમાં લોટ લઇ લેતો. કાવડ લઇને પણ કોઇ બાવો આવે.. કાવડ શ્રવણ લઇને ફરતો હતો.. એમાં માબાપને બેસાડી જાતરા કરાવેલી.. એ કાવડનો અર્થ એ બાવાની કાવડમાંથી જાણવા મળતો. કોઇક સાધુ સાકરિયા આપે. છોકરાં સાકરિયાની લાલચે તેની પાછળ પાછળ ગામમાં ફરે.

ઘરે ઘરે રોટલા ચૂલે થાય ત્યારે પ્રથમ ચાનકી તો કૂતરાની થતી. ગાય માટે 'ગૌગ્રાસ' કરવાનો - કાઢવાનો પણ રિવાજ. ખાધા પહેલાં ધૂપ કરવાનો. નાળમાં દેવતા લઇ ઉપર ભાત-ગોળ-ઘી ધરાવવાનાં... અગ્નિદેવને પહોંચાડવાની આવી પ્રથા હતી. ઘરે ઘરે આવા યજ્ઞાો થતા. 

લાજમર્યાદા અને મોભાવભાનો એ વખત હતો. મલાજો જળવાતો.. હદબહાર કોઇ જતું નહિ.. વડીલ સામે અમુક હદથી વધારે ના બોલાય. સાધુ સામે જિદ ના કરાય.. મોટાઓની સામે ના બોલાય. ગુરુને અને મોટાંને પગે લગાય.. સાસુ-સસરાની આગળ મોં ખુલ્લુ ન રખાય. માભામાં રહેવાય. સ્ત્રીથી મરજાદ સચવાય. વડીલોની હાજરીમાં ઘરવાળા સામે જીભાજોડી ના થાય. એની લાજ પણ કાઢવી પડે. પુરુષોની હાજરીમાં મોટે અવાજે ના બોલાય. ઘરમાંય માથેથી સાડીનો છેડો હેઠે ના પડે એ સાચવવું પડતું.

વખતસર રસોઇ કરવી પડે અને ભાયડા ઘરમાં વસ્તુ લાવે ના લાવે તો કોઇને કોઇ રીતે સ્ત્રીઓ ઘર સાચવી લેતી. કૂવેથી પાણી ખેંચવું પડે... ગાળીને પીવાનું.. માટલા માથે ઉપાડી પાણી પાણિયારે લવાતું... આજે તો ઉપર લખેલું કોઇને ખોટુ કે વધારે પડતું ય લાગે, પણ પાંચ દાયકા પૂર્વે આ જ જીવન હતું

લુપ્ત થતી આપણી સંસ્કૃતિ

*આવતા ૧૦-૧૫ વર્ષમાં એક એવી પેઢી સંસાર છોડી ચાલી જશે. જેના ગયા પછી ખૂબ પસ્તાવો થશે.* 
વાત કડવી છે પણ સત્ય છે.
આ પેઢીના લોકો બિલકુલ અલગ જ છે.
રાત્રે જલ્દી સુવાવાળા, 
સવારે જલ્દી જાગવાવાળા,
સવારના અંધકારમાં ફરવા નિકળવા વાળા
આંગણાના ફૂલછોડને પાણી પીવડાવવાવાળા, 
દેવપૂજા માટે ફૂલ તોડવાવાળા, 
રોજ પાઠ પૂજા કરવાવાળા 
અને રોજ મંદિર જવાવાળા...
રસ્તામાં મળવાવાળાને ખૂબ વાતો કરવા વાળા, 
તેમનું સુખ દુઃખ પૂછવાવાળા, 
બંને હાથ જોડી પ્રણામ કરવા વાળા, 
તેમજ સ્નાન વગર અન્ન નહીં ઉતારવા વાળા.
તેમનો અલગ સંસાર..........
વાર તહેવાર, 
મહેમાન, 
શિષ્ટાચાર, 
અનાજ, 
અન્ન, 
શાકભાજીની ચિંતા, 
તીર્થયાત્રા , 
રિતી રિવાજ અને સનાતન ધર્મ ની 
આગળ પાછળ ફરવાવાળા...
જુના ફોન ના ડોગલા ઉપર જ મોહિત રહેવા વાળા, 
ફોન નંબર ની ડાયરી મેઇન્ટેઇન કરવાવાળા, 
રોંગ નંબરવાળા સાથે પણ સરસ વાત કરી લેવા વાળા, 
વર્તમાન પત્રોને દિવસમાં ત્રણ ચાર વાર 
ઉથલાવી ઉથલાવી વાંચવા વાળા...!
હંમેંશા એકાદશી યાદ રાખવા વાળા, 
પૂનમ અને અમાસ યાદ રાખવાવાળા, 
ભગવાન ઉપર પ્રચંડ ભરોસો રાખવા વાળા, 
સમાજનો ડર પાળવા વાળા, 
જુના ચપ્પલ, ફાટેલી બંડી અને 
તૂટેલી દાંડીવાળા ચશ્મા પહેરવાવાળા......!!
ગરમીની સીઝનમાં આચાર પાપડ બનાવવાવાળા, 
ઘરમાં જ ખાંડેલો મસાલો વાપરવાવાળા, 
અને હંમેશા દેશી ટામેટા, દેશી રીંગણ અને
દેશી મેથી જેવી શાકભાજી શોધવાવાળા........!
નજર ઉતારવા વાળા, 
કંદોઈ ખસી હોય તો ઠીક કરવા વાળા, 
લીમડાનું કે બાવળનું દાતણ કરવાવાળા,
અને શાકભાજીની લારી વાળા સાથે 
એક-બે રૂપિયા માટે જીભા જોડી કરવા વાળા.....!!
શુ તમે જાણો છો?....
આ બધા ધીરે ધીરે આપણો સાથ છોડી 
કાયમ માટે જતા રહેવાના છે.
શુ તમારા ઘરમાં આવું કોઈ છે? 
જો હા,
તો જરૂર તેઓનું ખૂબ ધ્યાન આપજો.......!
નહિતર એક મહત્વપૂર્ણ શીખ તેમની સાથે જ જતી રહેશે.... 
એ છે સંતોષ ભર્યું જીવન, 
સાદગી પૂર્વકનું જીવન, 
પ્રેરણા દાયક જીવન,ભેળસેળ વિનાનું જીવન, 
ધર્મ અને સતમાર્ગ પર ચાલવાવાળું જીવન, 
બધાની ચિંતા કરવાવાળું જીવન.....!
તમારા પરિવારમાં જે લોકો વડીલ છે 
તેમનું માન સન્માન રાખજો, 
તેઓને અપનાપન મહેસુસ કરાવો
અને ખૂબ જ પ્રેમ કરો.........!
*સંસ્કાર* જ
*અપરાધ* રોકી શકે છે. 
*સરકાર* નહિ.કેકે_પરમાર

રાંધણ છઠ્ઠ

રાંધણ છઠ્ઠ નું નામ લઇએ, ત્યાં તો બધાના ઘરમાંથી તેલની સુગંધ આવવા માંડે. ઘરે ઘરે તાવડો ચડાવ્યો હોય. જીરા પુરી, ચકરી, સાતપડવાળી પુર...