ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહી
ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહી..!
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહી..!
પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું,
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહી..!
કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા,
એ અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહી..!
લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા,
એ કોડના પુરનારના, કોડ પુરવા ભૂલશો નહી..!
લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા,
એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહી..!
સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો,
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહી..!
ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને,
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહી..!
પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર,
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહી..!
ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહી..!
પળ પળ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહી..!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો