"जन्नत भी भरे पानी मेरे काशी के सामने"
ચેતસિંહ ઘાટ થી નીકળી ચાલતો ચાલતો હું મણિકર્ણિકા ઘાટ પર આવી પહોચ્યો. આ સ્મશાનઘાટ છે. ગંગા પર નાં આ ખુલ્લા સ્મશાન ની ગાથા ઓ પુરાણો માં ગવાઈ છે. કહેવાય છે મણિકર્ણિકા ની ચિતા ઓ સેંકડો વર્ષો થી ઠંડી નથી પડી. અહી નું વાતાવરણ અદ્ભુત છે. અહી નાં આજુબાજુ લાકડા નાં મોટા થપ્પા છે. અહી સમગ્ર ભારત માં થી લોકો ને અંતિમ સંસ્કાર આપવા માટે લાવવામાં આવે છે. કાશી નું મરણ વખણાય છે. આ એજ મણિકર્ણિકા ઘાટ છે જ્યાં કહે છે ભગવાન શંકર ખુદ મડદા નાં કાન માં તારક મંત્ર ફૂંકે છે. ચિતા ઓ માં થી ઉંચે ચડતી રાખ થી વર્ષો થી ખરડાતા રહેલા આજુ બાજુ નાં મકાનો કાળા થઇ ગયા છે. અહી બધી વસ્તુ કાળ નાં મુખ માં ગરકાવ થઇ જાય છે. અહી આવતા ગોરા વિદેશીઓ ખુબ ગંભીર અને સ્થિર થઇ જાય છે. મૃત્યુ અને વિઘટન નો અહી એમને ખુબ નજીક થી અનુભવ થાય છે. રાતે ગંગા પર હોડી માંથી મણિકર્ણિકા નું દ્રશ્ય કોઈ ને સુંદર તો કોઈ ને બિહામણું લાગે છે. સેંકડો લોકો પોતાના સ્વજન ની અંતિમ વિદાય ને જોતાં આ ઘાટ નાં પગથીયા પર બેઠા બેઠા કંઈક વિચારતા હોય છે. કાયમ બેઠેલા લોકો નાં વજન નાં કારણે આ ઘાટ નાં પગથીયા નીચે તરફ નમી ગયા છે. જાણે આ પગથીયા પોતે અહી આવનારા ને નીચે ચિતા તરફ સરકાવી દેશે. આ ઘાટ પર કલાકો સુધી બેઠો બેઠો હું જીવન ને મૃત્યુ પર વિચાર કરતો રહ્યો. શરીરો ને સળગતા, ધુમાડો બનતા ને એ ધુમાડા ને આકાશમાં ઉંચે ચડતા જોતો રહ્યો. અહી બેઠા બેઠા ધ્યાન લાગી જાય એવી સ્થિતિ છે. ઘાટ ની આજુબાજુ ની ગલી ઓ માં થી અવિરત નવા મૃતદેહો નો પ્રવાહ ચાલુ હોય છે. આ જગ્યા ચોવીસ કલાક ધમધમે છે. અહી સાંકડી ગલી માં લાકડા ની પાટલી પર બેસી ને માટી નાં કોડિયા માં ચા પીવા ની મજા કંઈક ઓર જ છે. અહી બધું જ જુનું છે. રસ્તા, લોકો, મકાનો , મંદિરો વગેરે બધું જ જર્જરિત અવસ્થા માં છે. પણ આ આખા વાતાવરણ માં એક અદ્ભુત વ્યવસ્થા લાગે છે. અહી એવું લાગે છે બધું બરોબર થાય છે. અહી કોઈ વિરોધાભાસ નથી. કાશી માં આવી ને દુનિયા પર વિશ્વાસ બેસે છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો